જુલાઈ 05, 2014

મૃગતૃષ્ણા





આપણે ત્યાં નારી સૌંદર્યના અનેક  રૂપકો જોવા મળે છે. એ ચાહે મેનકા કે ઉર્વશી જેવી અપ્સરાઓનાં કલ્પનો હોય કે પછી પુરાતન સંસ્કૃતિના અવશેષોના ખોદકામ દરમિયાન મળી આવતી યક્ષિણીની મૂર્તિઓ હોય કે પછી અજંતા-ઈલોરાની ગુફાઓમાંની સદીઓ જૂની નારી પ્રતિમાઓ હોય કે જેને જોઇને આજે પણ અભિભૂત થઇ જવાય- 
ન કેવળ શિલ્પકળામાં બલ્કે આપણા સાહિત્યમાં પણ કાલિદાસ, ભાસ અને શૂદ્રકથી લઈને પંદરમી સદીમાં થઇ ગયેલા કવિ મલિક મોહમ્મદ જાયસી અને ઓગણીસમી સદીમાં થઇ ગયેલા કવિ-સાહિત્યકાર જય શંકર પ્રસાદ અને અન્ય ઘણા જ નામી અનામી સાહિત્યકારોએ પોતાની કલમ અને કલ્પનાના આધારે નારી સૌંદર્યને ગદ્ય-પદ્ય સ્વરૂપે શબ્દદેહ આપીને (અને શૃંગાર રસની ચાસણીમાં ડૂબાડીને) અજરામર કૃતિઓ રચી છે. તો ઓગણીસમી સદીમાં થઇ ગયેલા રાજા રવિ વર્માએ અત્યંત કળાત્મક રીતે ભારતીય નારી સૌંદર્યને પોતાના તૈલચિત્રોમાં નીખાર્યું છે. એવું ય નથી કે ફક્ત પુરુષ કલાકારોએ જ નારી સૌંદર્યને પોતાની કૃતિઓમાં મૂર્તિમંત કર્યું. અમૃતા શેરગીલે કેનવાસ પર તો મહાદેવી વર્માએ શબ્દ દેહે પોતાની રચનાઓમાં નારી સૌંદર્યને ઉભાર્યું છે.

શિલ્પ, ચિત્ર અને સાહિત્ય ઉપરાંત નારી સૌંદર્યને અલંકૃત કરતું ઓર એક માધ્યમ છે નૃત્ય કળા.... સિનેમાના રૂપેરી પડદે આ વિદ્યાનો જબરજસ્ત ઉપયોગ થયેલો જોવા મળે છે. ગીત-સંગીત વિના અધૂરી ગણાય એવી આપણી ફિલ્મોમાં કેટલાક અનુપમ નૃત્ય ગીતો છે, જેને નૃત્ય કૌશલ અભિનેત્રીઓએ પોતાના સૌંદર્ય અને કળાના અદભૂત પ્રદર્શનથી અમર કરી દીધા છે. આ વિષય પર એક સ્વતંત્ર લેખ લખી શકાય. પણ આજે એક એવા નૃત્ય ગીતની વાત કરવી છે કે જે કદાચ એટલું પ્રસિદ્ધ નથી. પણ હિન્દી સિનેમાના ઇતિહાસમાં આ ગીત પોતાનું એક ચોક્કસ સ્થાન ધરાવે છે. આ ગીત છે, ૧૯૭૫ની ફિલ્મ ‘મૃગતૃષ્ણા’નું. શંભુ સેન લિખિત-સંયોજિત આ ગીતના ગાયક છે સ્વ. મોહમ્મદ રફી. કહેવાય છે કે મોહમ્મદ રફી એક એવા કલાકાર હતા જેમણે જાણીતા અને અજાણ્યા બંને પ્રકારના સંગીતકારો વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર ગાયું છે. ૧૯૫૩માં રજુ થયેલી 'રંગીલા' ફિલ્મ માટે એમણે કમલ સેન માટે ગીત ગાયું અને ૧૯૭૫માં એમના દીકરા શંભુ સેન માટે.

રાગ યમનમાં જેની બંદિશ રચાઈ છે એવા આ ગીતની શુદ્ધ હિન્દીમાં લખાયેલી શબ્દ રચના પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે રફી સાહેબે કેટલી કુશળતાથી આ ગીત ગાયું છે. ગીતમાં એક જગ્યાએ પ્રયોજાયેલા, ગાવામાં થોડા વિષમ કહેવાય એવા ‘પ્રસિદ્ધ’ શબ્દનો તેમ જ એક આખેઆખી પંક્તિ 'નૃત્ય ગાન ત્રિક્ધાન પૂજા'નો  ઉચ્ચાર રફી સાહેબે એવી કુશળતા પૂર્વક કર્યો છે કે સાંભળવામાં આપણને આ શબ્દ/પંક્તિ સાવ સહજ લાગે છે.

આ અત્યંત મનોહર નૃત્ય ગીત પર અભિનય કરવા માટે હિન્દી સિને જગતની કોઈ પણ અભિનેત્રી તૈયાર હોય એ સ્વાભાવિક છે. જો કે એ માટે, એ અભિનેત્રીનું અનુપમ લાવણ્યમયી હોવું અને સાથે સાથે ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલામાં અત્યંત પારંગત હોવું અત્યંત આવશ્યક બને. હેમા માલિની કે જેના પર આ ગીત ચિત્રિત કરવામાં આવ્યું છે, તેનામાં આ બંને આવશ્યકતાઓ ભરપૂર પ્રમાણમાં, એ સમયમાં પણ હતી અને આજે પણ છે. 

આ ગીત, હેમા માલિનીના કેટલાક અત્યંત સુંદર ગીતો પૈકીનું એક કહી શકાય. પડદા પર જે રીતે એમના ચહેરા પર હાવ ભાવ ઉભરે છે અને એમના શરીરના મોહક ભાવ ભંગિમાથી જે રીતે ગીતના શબ્દોનાં અર્થ રૂપેરી પડદે જીવંત થઇ ઉઠે છે તે ખરેખર અજોડ છે. વીતેલા જમાનાની અભિનેત્રીઓ પૈકી વૈજયંતિમાલા કે વહીદા રહેમાન આ ગીતને એટલું જ પ્રભાવી બનાવી શકી  હોત. હેમા માલિનીની પછીની પેઢીમાં શ્રીદેવી કે માધુરી દીક્ષિતમાં એટલું કૌશલ્ય ધરાવતી હતી કે જે આ ગીતને ન્યાય કરી શકી હોત. આજની પેઢીની અભિનેત્રીઓ પૈકી કોઈ એવી ખરી કે જે આવું કૌવત ધરાવતી હોય? 

આ ગીતને અહી માણો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો