જૂન 15, 2014

એક સ્મરણાંજલિ.... સજ્જાદ હુસૈન....





અર્ધી રાતનો શુમાર હોય.... જેઠ મહિનાની આ કાળઝાળ ગરમીમાં શેકાયેલા તન પર, અગાસીએ ઝળૂંબતો ચંદ્ર, ચાંદનીનો શીતલ લેપ લગાડી રહ્યો હોય.... મંદ મંદ વહેતી હવામાં રેલાતા ’૫૦ થી ‘૬૦ના દશકના સદાબહાર સૂરીલા હિન્દી ફિલ્મી ગીતો  હોય.... વિતેલા જમાનાના લાજવાબ કલાકારોની અપાર મહેનત અને લગનથી સમૃદ્ધ એવો સંગીતનો આ અમૂલ્ય વારસો અને અને આ ખજાનામાંથી ચૂંટેલા મોતી  સમાન એક એક થી ચડિયાતા ગીતો વાગી રહ્યાં હોય અને દિવસભરનો થાક ન જાણે ક્યાં ગૂમ થઇ રહ્યો હોય... આવા માહૌલમાં એક એવા સંગીતકારે કમ્પોઝ કરેલા  ગીત હવામાં વહેતા થાય કે જે સંગીતકારે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં કેવળ ૧૪ ફિલ્મોમાં જ સંગીત આપ્યું હોય, જી હા, કેવળ ૧૪ જ ફિલ્મો... પણ આ ૧૪ ફિલ્મોના સંગીતમાં એમણે કૈક એવો જાદૂ ચલાવ્યો છે કે આજે સાઠ વર્ષ પછી પણ તેઓ સંગીત ચાહકોના દિલ પર રાજ કરે છે.. આ વાત છે વીતેલા જમાનાનાં મશહૂર સંગીતકાર સજ્જાદ હુસૈનની..


૧૫ જૂન, ૧૯૧૭ના રોજ મધ્ય ભારતના એક નાનકડા ગામ સીતામઉમાં દરબારી સંગીતજ્ઞનાં પરિવારમાં જન્મેલા સજ્જાદજીના પિતા મોહમ્મદ અમીર ખાન, સિતાર સરસ રીતે વગાડી જાણતા.. તેમણે પોતાના બધા જ સંતાનોને સિતારની દિક્ષા આપી. પણ સજ્જાદ માત્ર સિતારથી સંતુષ્ટ ન રહ્યા..  સિતાર ઉપરાંત તેઓ વીણા, વાયોલિન, બાંસુરી અને પિયાનો વગાડતા પણ શીખ્યા.. જલતરંગ, બેન્જો, અકોર્ડીયન, સ્પેનીશ અને હવાઇયન ગિટાર જેવા વાદ્યો પણ તેઓ સરસ રીતે વગાડી જાણતા. તદુપરાંત તેઓ એક અચ્છા મેન્ડોલિન વાદક પણ હતા. તેઓ મેન્ડોલિન પર ભારતીય શાસ્ત્રીય સંગીત પણ વગાડી શકતા હતા.. મેન્ડોલીન પર ભારતીય રાગ રાગિણીઓ વગાડવી એ ખરેખર દુષ્કર કાર્ય છે... ૧૯૫૬મા કલકત્તા ખાતે યોજાયેલા અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત સંમેલનમાં તેમણે હરિકૌંસ, શિવરંજની અને ઠુમરી – મેન્ડોલીન પર એટલી કુશળતાથી વગાડ્યા કે ત્યાં હાજર રહેલા શાસ્ત્રીય સંગીતના મહારથીઓ જેવાકે, પંડિત નિખિલ બેનર્જી, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, અહમદ જાન થીરકવા, અલી અકબર ખાન અને વિનાયક રાવ પટવર્ધન સાંભળીને દંગ રહી ગયા! કહે છે કે મેન્ડોલીનમાં મીંડ નો પ્રભાવ લાવવો અશક્ય છે, કારણ કે, અવાજ ઉઠીને ખતમ થઇ જાય છે... પણ સજ્જાદ સાહેબે આ સંમેલનમાં મીંડ નો પ્રભાવ ઉત્પન્ન કરી બતાવ્યો અને મુશ્કેલ રાગોને વગાડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. બડે ગુલામ અલી ખાન સાહેબે તેમની પરીક્ષા લેવા એક મુશ્કેલ તાન વગાડવા કહ્યું તો સજ્જાદ સાહેબે તરત જ એ તાન મેન્ડોલીન પર હૂબહૂ વગાડીને સૌને ખુશ કરી દીધેલા..

ફિલ્મ સંગીતના સૌથી જટિલ સંગીતકારોમાં એક નામ આવે સલીલ ચૌધરીનું અને બીજું નામ આવે સજ્જાદ હુસૈનનું. ભલભલા ગાયકો સજ્જાદ સાહેબની ધૂનો પર ગીત ગાય ત્યારે જરા ટેન્શનમાં આવી જતા.. ગુસ્સેલ સ્વભાવના સજ્જદજી, ગાયનમાં જરા જેટલી ચૂક થાય તો કોઈનીયે તમા રાખ્યા વિના મોં પર જ સંભળાવી દેતા. કહે છે કે એક વાર લતાજીને તેઓ રીહર્સલ કરાવી રહ્યા હતા અને કોઈ સ્થાને લતાજી બરાબર એ જ રીતે નહોતા ગઈ રહ્યા જે રીતે સજ્જાદજી ઇચ્છતા હતા. તો ચીડાયેલા સજ્જદજીએ ખીજાઈને કહ્યું, “લતાજી, ઠીક સે ગાઈએ, યહ નૌશાદ મિયાં કા ગાના નહીં હૈ....” નૌશાદસાહેબની પણ તેમને મન કોઈ હસ્તી ન હતી.. તેઓ માનતા કે આખી ફિલ્મ જગતમાં કેવળ બે જ સંગીતકાર છે... એક ગુલામ હૈદર અને બીજા પોતે! આટલું જ નહીં, કિશોર કુમારને તેઓ કાયમ ‘શોર કુમાર’ તરીકે અને તલત મેહમૂદને ‘ગલત મેહમૂદ’તરીકે સંબોધતા... તેમ છતાં... એ હકીકત છે કે એક સંગીતકાર તરીકે સજ્જાદ હુસૈને નુરજહાં, રત્તનબાઈ, નિર્મલાદેવી (અભિનેતા ગોવિંદાની માતા), લતા મંગેશકર, સુરૈયા, ગીતા રોય, આશા ભોંસલે, મોહમ્મદ રફી, તલત મેહમૂદ, સુરેન્દ્ર અને બીજા અસંખ્ય ગાયકોના સ્વરોમાં ચિરંજીવ સંગીત આપ્યું.

આખાબોલા જ નહિ પરંતુ તીખાબોલા સ્વભાવના સજ્જાદ હુસૈન પોતાના કામમાં અવ્વલ હતા, એટલું જ નહીં, પૂર્ણતાના પણ એટલા જ આગ્રહી હતા. કોઈ પણ ગીતનાં રેકોર્ડીંગમાં તેઓ ત્યાં સુધી  રિટેક કર્યે જતા કે જ્યાં સુધી એકે એક સાજીંદા અને ગાયક પૂરેપૂરા ‘પરફેક્શન’ સાથે ગીત વગાડી કે ગાઈ ન લે. તેમનું અત્યંત મશહૂર એવું ૧૯૫૨ની ફિલ્મ ‘સંગદિલ’નું ગીત ‘યે હવા યે રાત યે ચાંદની...’ – આ ગીત માટે કહેવાય છે કે તલત સાહેબને કુલ સત્તર રિટેક કરવા પડેલા, ત્યારે સજ્જાદ સાહેબે  ગીત ઓકે કરેલું. રાજેન્દ્ર કૃષ્ણનાં લખેલા આ ગીતને પડદા પર અત્યંત સોહામણા એવા દિલીપ કુમાર પર ફિલ્માવવામાં આવેલું. સજ્જાદ સાહેબ એવું માનતા કે ફિલ્મ સંગીતમાં વિદેશી વાદ્યો કઈ ખાસ જરૂરી નથી. એમને હિન્દુસ્તાની વાદ્યો પર સંપૂર્ણ વિશ્વાસ હતો.. ‘સંગદિલ’નાં આ મશહૂર ગીત માટે તેમણે અત્યંત સરળ કીમિયો કર્યો... બે સારંગી લીધી અને બે માઈક લીધા. બંને સારંગીને માઈક સામે રાખીને એ રીતે વગાડવામાં આવી કે જેનાથી ધમાકેદાર સુરાવલીઓ ઉત્પન્ન થઇ.. એ કદાચ અનેક વાયોલિન એક સાથે વગાડવામાં આવે તો પણ ન પેદા થાય! મદન મોહનજીએ પણ ફિલ્મ ‘આખરી દાવ’નાં એક ગીત “તુજે ક્યા સુનાઉં મેં દિલરુબા...” માં આ જ ધૂનનો ઉપયોગ કરેલો. જેના કારણે સજ્જાદ સાહેબ ખૂબ જ નારાજ થયેલા. કોઈ સંગીત સમારોહમાં મદન મોહન જ્યારે એમની સામેથી પસાર થયા તો એમણે કહેલું કે "આજકલ તો પરછાઈયા ભી ઘૂમને ફિરને લગી હૈ!" અને આવું તેઓ કહી શક્યા હતા કારણ કે, સંગીત નિર્દેશકોના પ્રપિતામહ કહેવાય એવા શ્રી અનિલ વિશ્વાસજી કહેતા કે, ફિલ્મ ઉદ્યોગમાં સજ્જાદ જ એવા બેજોડ સંગીતકાર છે, જેની તોલે આવી શકે એવું કોઈ નથી. અમે બધા ક્યાંકથી ને ક્યાંકથી અથવા તો કોઈ ન કોઈ વાતમાંથી પ્રેરણા લઈને તર્જ બનાવીએ છીએ, પણ સજ્જાદનુ સંગીત ક્યાંયથી પ્રેરિત નથી. એ એમનું ખુદનું મૌલિક સર્જન છે.” -એક સંગીતકાર માટે આનાથી વધુ શું કહી શકાય

સુર્વણયુગનાં એક વિચિત્ર સ્વભાવનાં પણ અનોખી પ્રતિભા ધરાવતા આ સંગીતકારને બીજા બધા સંગીતકારો પ્રેરણા સ્વરૂપ માનતા. એમના સ્વભાવનું કારણ હશે કે બીજું કઈ પણ હોય પરંતુ એમના અવસાન સમયે ખય્યામ અને પંકજ ઉધાસ સિવાય કોઈ જાણીતી હસ્તી હાજર રહી નહોતી. દુઃખની વાત છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એમની જોઇએ તેવી કદર ન કરી...



http://www.youtube.com/watch?v=xQCMe6ZDifs



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો